ધાર્મિક માહિતી
 
 
     
  સુખનાથ મહાદેવનું મંદિર:  
 
     ભાયાવદરના ઈતિહાસ સાથે સંબંધ ધરાવતું આ પણ એક પ્રાચીન નાગ દેવતાનું મંદિર છે.તથા શક્તિમાતાનું સ્થાનક પણ છે. જયાં શક્તિપંથીઓ પાઠ કરે છે. અહિં પરમસિધ્ધ સંતશ્રી માનનાથ બાપુએ ધૂણીધખાવેલ અને ત્યાં જ પોતે જીવતા સમાધિ લીધેલ છે. જેના અનેક પરચા છે. વિ.સં.૧૮૦૪માં માનનાથ બાપુ જામજોધપુરથી પોતાના શિષ્ય પટેલ પરિવારના માકડીયા લાલજી આંબાને બોલાવી ભાયાવદરના તોરણ બંધાવેલ છે. દેવબારી બંધાવી આપી અભય વચન આપેલ છે તથા આ જ માકડીયા પરિવારને અમુક ’’સિધ્ધ વસ્તુઓ’’ આપેલ છે. જેનું પૂજન આ પરિવાર દિવાળી પર કાળી ચૌદશની સાંજે કરી દર્શન કરાવે છે.
 
     
 
     માનનાથ બાપુના પરમ મિત્ર મનસુર શાહ પરમ ઓલિયા રૂપાવટી નદીના સામા કાંઠે તપ કરતા જયાં આજે પણ તેમની દરગાહ (સમાધિ) છે. માનનાથ બાપુના શિષ્ય ઉદાસી મહારાજ બાપુ મહાન સંત હતા. કહેવાય છે કે એક વખત સાધુઓ સાથે ધોરાજી જતા હતા ત્યારે સુપેડી પાસે રસ્તામા એક શેરડીનો વાડ ફરતો જોઈ સંતોને રસ પીવાની ઈચ્છા થઈ સાધુઓની વધારે સંખ્યા જોઈ ખેડૂતે આવકાર ન આપ્યો આથી સાધુઓ ચાલતા થયા પણ ત્યાં જ ચમત્કાર થયો કે શેરડીના સાંડા સત્ય થઈ સળવળવા લાગ્યા અને ગોળના માટલા કાચબા થઈ ચાલવા માંડયા આ જોઈ ખેડૂત ભાગવા લાગ્યો કોઈકે ગુરુ માનનાથ બાપુ પાસે જવા સલાહ આપી, માણસો માનનાથ બાપુ પાસે આવ્યા અને ઉદાસી બાપુના કોપને શાંત કરવા વિનંતિ કરી કોપ સમાવ્યો. ગુરૂ માનનાથ બાપુ પાસે જ આ ઉદાસી બાપુની પણ સમાધિ આ ઓટલા પર છે.
 
     
 
     એક દંતકથા પ્રમાણે માનનાથ બાપુ તેમના મોટાભાઈ તથા મિત્ર મનસુર શાહ સાથે દ્વારકા બાજુથી આવ્યા અને આ મંદિરની સામેના પીપળાની જગ્યાએ મોટો વડ હતો તેની નીચે રાતવાસો કરેલ. જયાં તેમને સુખનાથ મહાદેવ સ્વપ્નમાં આવ્યા તેમને ભાયા ચારણે દૂધનું ભોજન આપેલનું પણ કહેવાય છે. બીજી વખત સ્વપ્ન આવ્યું ત્યારે પ્રમાણ માંગેલુ, તે પ્રમાણે હાલ પારસ પીપળો છે. ત્યાં પાસે એક પીપળો પણ હતો. તેની નીચે ખોદવાનું જણાવેલ અને તે પ્રમાણે એક ઓટા સાથેનું સ્થાનક મળી આવેલ તે તેનું સ્થાનક હાલ પણ મંદિરમાં એક બાજુ માતાજીની પ્રાચીન મૂર્તિ સાથે છે. જે ફેરવવાની મનાઈ થતા બીજુ નવુ શિવલીંગ બાજુમાં સ્થાપવામાં આવેલ છે. શિવ મંદિર બનાવવા માનનાથ બાપુએ બાર વરસ સુધી એક પગ પર ઉભા રહી તપ કરેલ અને હાલનું શિવ મંદિર બંધાવ્યું મોટા ભાઈ માંગરોળ બાજુ ચાલ્યા ગયા અને ત્યાં જંગલમાં મંદિર બંધાવેલ છે.
 
     
 
     તેમના શિષ્યોમાં એક જીવનગર અપારનાથી હતા. તેમને માનનાથ બાપુએ સંસારી બનાવ્યા તેમને માત્ર બે પુત્રીઓ હતી (૧) મોંઘીબેન - પોરબંદર તથા (ર) કેશરબેન - ચાવંડી મેઘનાથી પરિવારમાં આપ્યા કેશરબેનના ચારેય પુત્રો માંહેના ત્રીજા પુત્ર મુરગરભાઈ ગોકરભાઈ મેઘનાથી (ભાણેજ) ના પુત્ર હરિગર (બટુકભાઈ) હાલ સેવા-પૂજા કરે છે તેમણે ઉપરો ક્ત દંતકથા જણાવેલ હાલ ખીજડાશેરીમાં આવેલ ખીજડા પાસે ભાયા ચારણનો નેસ હતો એમ પણ કહેવાય છે. જયારે સુખનાથ પાછળ ભાયા ચારણની સમાધિ આવેલી છે.