ઐતિહાસીક પરિપ્રેક્ષ્‍યમાં
 
 
 
 
 
    ભાયાવદર રાજકોટ જિલ્લાનું રાજકોટથી ૧ર૦ કિ.મિ. દૂર અને ઉપલેટા તાલુકાનું ઉપલેટાથી ૧પ કિ.મિ. દૂર રૂપાળી (રૂપાજટી) નદીને કિનારે આવેલુ વિકસિત નગર છે. તે ૧૧.૧પ ઉત્તર અક્ષાંસ અને ૭૦.૧૭ રેખાંશ પર આવેલું છે.
 
    પ્રા.નરોતમ પલાણ એક જગ્યાએ નોંધે છે કે, ’’ખગોળની નજરે ભૂગોળનું વિશ્લેષણ કરનાર પરિવ્રાજક સંત શ્રીજનકહિંહજી મહારાજે આ ભાયાવદર વિસ્તારને મકર રાશીની નીચે બંધાયેલો દર્શાવ્યો છે. મકર રાશીનો ગુણ ધાર્મિક શ્રધ્ધા ગણાવેલ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ રાશીનો નવમાંશ ભાગ પણ પડે છે.તેથી બરછટપણું પણ જોવા મળે’’ (એક અધ્યાત્મ-યાત્રીના અનુભવો - પૃષ્ઠ ૧૦ર)
 
    ભાયાવદર સંતો, મહંતો, ભકતો, ભજનિકો, કલાકારો, સતીઓ અને શૂરાઓ નિપજાવનારી પવિત્ર સૂર્ય ભૂમિ છે. અહિ સૂર્ય ઉપાસના તાતકાલિક ફળે છે. નદી કિનારે આવેલો સૂર્ય કૂંડ છે.(અંદર લેખ છે.) સૂર્ય પ્રતિકની રણછોડરાયના મંદિરમાં પૂજા થાય છે.
 
    ભાયાવદર હજારેક વર્ષનો ઈતિહાસ ધરાવે છે. ભાયાવદરની જયારે નેસ રૂપે સ્થાપના થઈ ત્યારે નજીકના રજવાડાઓમાં મુખ્ય બે (૧) ધુમલીના જેઠવાઓ અને (ર) જુનાગઢના રા તરીકે ઓળખાતા ચુડાસમા રાજાઓ તથા નજીકના (૩) ઢાંક (પ્રેહ પાટણ) જયારે જેઠવાના તાબામાં હતું ત્યારે ભાયાવદર માત્ર નેસ રૂપે જ હતો. આ વિસ્તાર ત્યારે બે રાજયોની સરહદમાં આમ-તેમ પલટા ખાધા રાખે છે. આ બંને સત્તા નબળી પડતા ભાયાવદરનો વહીવટ નાગર દેસાઈઓના હાથમાં આવ્યો.
 
    ભાયાવદર: વસ્તી પ૧૯૭.ગોંડલ સંસ્થાનું ગામ ધોરાજિથી વાયવ્ય ૧પ મૈલ છે. મોગલ સત્તા પડી ભાંગ્યા પછી ભાયાવદર નાગર દેસાઈઓના હાથમાં ગયું.ને તેમણે ઈ.સ.૧૭પ૩માં ગોંડલના જાડેજા હાલોજીને વેચી દીધું ’’તારીખ-ઈ-સોરઠનો’’કર્તા લખે છે કે, ભાયાવદર કુંભોજીએ મેળવ્યુ હતું પણ એમ લાગે છે કે તે હાલોજીએ વેચાતું લીધું હશે. તે ભાદરથી ૧૧ મૈલ દૂર છે.-(’’કાઠીયાવાડ સર્વ સંગ્રહ’’ - લે કર્નલ જે.ડબલ્યુ વોટસન - ગુજ.અનુવાદ: નર્મદા શંકર લાલશંકર સને - ૧૮૮૬)
 
    ભાયાવદર સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના થઈ ત્યાં સુધી ગોંડલ રાજયના તાબામાં રહયું. ’’તારીખ-ઈ-સોરઠનો’’ - પ્રમાણે હાલની બજારની દક્ષિણ દિશાએ ખીજડા શેરીના ખીજડા પાસે આજથી ર૮૦ વર્ષ પહેલા ભાયા નામના ચારણનો અહીં નેસ હતો.જેની હાલ ખાંભી સેખનાથ મહાદેવના મંદિર પાછળ આવેલી છે. અત્યારે પણ તેની માનતાઓ (બીડી વગેરે રૂપે) લઈ ઘણા લોકો આવે છે. તેના નામ પરથી ’’ભાયાવદર’’ નામ પડેલુ કહેવાય છે કે તેને રૂપા નામની દીકરી હતી. તેની વહાલી વાછડી નદીના પુરમાં તણાવા લાગી તેને બચાવવા તે પણ નદીમાં પડી વાછડીને બચાવે છે. આમ તેનો ’’વટ’’ રહી જતા નદીનું નામ રૂપાવટી પડયું કહેવાય છે કે શરૂમાં અહિં ચુવા જાતિના ચાશણો તથા ઉનડકડ શાખાના લોહાણા રહેવાશી હતાં.
 
    અહિં પરમસિધ્ધ સંતશ્રી માનનાથ બાપુ તથા તેના સમકાલિન પરમ મિત્ર ઓલિયાપીર મનશુર શાહ રૂપાવટી નદીને સામસામે કાંઠે રહેતા. જયાં આજ પણ માનનાથ બાપુની જીવતા સમાધિ તથા મનશુર શાહની દરગાહ આવેલા છે. ઈ.સ.૧૮૦૪માં માનનાથ બાપુ તેમના શિષ્ય પટેલ પરિવારના માકડીયા લાલજી આંબાના પરિવારને જામજોધપુરથી લાવી તોરણ બંધાવ્યા. તેમનાથી પ્રોત્સાહિત થઈને આજુબાજુના બાર ટીંબાઓ ભાગી અહિં આવી વસવા લાગ્યા. (ટીંબાઓ જેમ કે : મહાદેવીયાનેસ, આંબરડી, ખારો, વાવડીવાવ વગેરે) અહીં પટેલ, સોની, બ્રાહમણ, હરીજન વગેરે જ્ઞાતિમાં અનેક ભક્તો તથા કવિઓ થયાના પ્રમાણ છે.